એમ કહાની ઘડીએ તો
(ગઝલ)
તું નટડી છે ને હું નટ છું એમ કહાની ઘડીએ તો...
તું મેના ને હું પોપટ છું એમ કહાની ઘડીએ તો...
મારામાં તું ઘાસ બનીને કોમળ કોમળ રંગો પૂર !
પથ્થર જેવો હું બરછટ છું એમ કહાની ઘડીએ તો...
તારી છાતી ગજ-ગજ ફૂલે મારું હોવું સાર્થ બને,
તારી અંદરનો હું વટ છું એમ કહાની ઘડીએ તો...
મારામાંથી બીજ સ્વરૂપે હું જ પછી નીકળી જાઉં,
હું જીવનનું ફળ પાકટ છું એમ કહાની ઘડીએ તો...
જેનાં ઘરની બારી ખુલ્લી એનાં ઘરને ધન્ય કરું,
પ્રેમ-અમીની હું વાછટ છું એમ કહાની ઘડીએ તો...
તું મીરાં છે, તું રાધા છે, તું છે અલ્લડ ગોપી ને-
નંદનો લાલો હું નટખટ છું એમ કહાની ઘડીએ તો...
- અલ્પેશ કળસરિયા
E-Mail:
alpesh_kalasariya@yahoo.com
No comments:
Post a Comment